Poem By:- Nisha Thakar, 21Painting By:- Jayshree Thakar
એક આફતે માનવીઓને હાલક-ડોલક કર્યા છે, અવિરત ને વળી ચંચળ ચરણો પીંજરે એણે પૂર્યા છે;
પણ એક હાકલ સાંભળીને સંકટ સૌ થથર્યા છે, હા! તારણહાર ધરા પર કૈંક રૂપે અવતર્યા છે.
ભરડામાં લઈ ભારતને એ દાવાનળની જેમ ખીલ્યો, પડકાર એનો તબીબોએ નિર્મળ હાસ્યસભર ઝીલ્યો;
જોખમમાં જીવ મૂકી એમણે દાન જીવનનાં કર્યા છે, હા! તારણહાર ધરા પર કૈંક રૂપે અવતર્યા છે.
માતૃવત્સલ પરિચારિકા જાણે જગદંબા છે બની, દવાઓના વિક્રેતાને પણ ભાળ નથી રાત- દિનની;
પડીકે બાંધી જાતને સંકટ અન્યોના હર્યા છે, હા! તારણહાર ધરા પર કૈંક રૂપે અવતર્યા છે.
અવગણીએ સૌ સુખ બીજા પણ જીવાશે કેમ અન્ન વગર?દુકાનદારો શૂરવીર થઈ બેઠા છે તેથી નગર નગર;
અન્નદાતાના ઉરથી હરિ લાગણી થઈને ઝર્યા છે, હા! તારણહાર ધરા પર કૈંક રૂપે અવતર્યા છે.
ગાડી લઈને રોજ ગલીમાં સફાઈ કર્મીઓ આવે, ઝાડુના ડંડાથી જાણે આફતને એ હંફાવે;
કર્મવીરની નિષ્ઠાથી સંકટ ભલભલા ડર્યા છે, હા! તારણહાર ધરl પર કૈંક રૂપે અવતર્યા છે.
કર્તવ્ય કટિબદ્ધ ખાખીધારીનાં કરમાં જોર છે, વરસાવે મમતા વળી ક્યાંક પાષાણ જેમ કઠોર છે;
માતૃભૂમિને રક્ષવા કવચ હિંમતના ધર્યા છે, હા! તારણહાર ધરા પર કૈંક રૂપે અવતર્યા છે.
થંભ્યા છે ચરણ સમયનાં એમાં સમાચાર એ લાવે, બહાદુરી પત્રકારોની તો જગત આખું બિરદાવે;
ગતિમાન ચક્રો ખબરોનાં સુદર્શન થઈ ફર્યા છે, હા! તારણહાર ધરા પર કૈંક રૂપે અવતર્યા છે.
આફત સામે ઊભા છે સૌ હામથી અડગ થઈને, કાપશે કષ્ટો દેશનાં એ ધારદાર ખડગ થઈને;
તરીશું આ વખતે પણ જેમ ઈતિહાસમાં તર્યા છે, હા! તારણહાર ધરા પર કૈંક રૂપે અવતર્યા છે.